Sep 16, 2012 |
Office Etiquettes
જોબનો પ્રથમ દિવસ દરેક વ્યક્તિ માટે બહુ જ ઉત્સાહભર્યો હોય છે પણ એ ઉત્સાહમાં એક પ્રકારનો ભય પણ છુપાયેલો હોય છે કે જોબના પ્રથમ દિવસે જ કોઈ ભૂલ થઈ જશે તો? તેમજ લોકો એ પણ વિચારતા હોય છે કે શુ કરવું અને શેનાથી દૂર રહેવું? ફર્સ્ટ ઇમ્પ્રેશન જ લાસ્ટ ઇમ્પ્રેશન બનતી હોય છે.
નવી જોબ સાથે ઘણાં બધા સપના અને ઉમ્મીદો જોડાયેલી હોય છે જેથી આપણે કોઈ પણ પ્રકારની એવી ભૂલ ન કરવી કે આપણી જોબનો પ્રથમ દિવસ જ છેલ્લો દિવસ બની જાય. જોબના પ્રથમ દિવસ માટે જાણો જોબના પ્રથમ એટીકેટ...
નવી જોબ એટલે નવા લોકોથી મુલાકાત, નવું વાતાવરણ, નવું કામ, નવા સહકર્મીઓ, નવી ડેસ્ક અને નવા બોસ..!! તેમજ તમારો ઉત્સાહ અને કંઈક ખોટું ન થાય તેનો ભય વગેરે આજુ બાજુ થતી અસંખ્ય બાબતો. જેનાથી તમારું મન પસાર થતું હોય છે, પરંતુ ઘણી વખત આ તમામ બાબતોમાંથી પસાર થતી વખતે આપણને ખબર નથી પડતી કે આપણે કેવું વલણ અપનાવવું જેથી ઓફિસનો પ્રથમ દિવસ સારો અને શાંતિપૂર્વક નીકળી જાય. ઓફિસમાં પ્રથમ દિવસ ઉત્સાહની સાથે સાથે મૂંઝવણભર્યો પણ હોય છે, પરંતુ ક્યારેક આવી જ મૂંઝવણ અને ઉત્સાહમાં આપણે ભૂલી જતા હોઈએ કે શું કરવું અને શું ન કરવું જોઈએ. તો જાણીએ કે ઓફિસમાં પ્રથમ દિવસે શું કરવું જોઈએ...
અગાઉ તૈયારી કરો
ઓફિસ જોઇન કરતા પહેલાં બધા પ્રકારની તૈયારીઓ કરી લો જેથી ઓફિસમાં તમારી સારી છાપ ઊભી થાય. તમારાં કપડાં, તમારી અગત્યની વસ્તુઓ, જરૂરી કાગળ તેમજ તમારા કામથી લગતી દરેક બાબતનું તમને જ્ઞાન હોવું જોઈએ જેથી કોઈ તમને સવાલ કરે તો તમે જવાબ આપી શકો.
સમયની સાવચેતી
ઓફિસમાં સમયસર પહોંચવાનો આગ્રહ રાખવો. જો તમને નવી જગ્યાએ જોબ મળી હોય અને તમને ત્યાંનો રસ્તો ન ખબર હોય તો બે દિવસ અગાઉ ત્યાં જવાના રસ્તાની તપાસ કરી લો જેથી તમે સમયસર પહોંચી શકો. તેમજ જો તમારી ઓફિસ તમારા ઘરથી દૂર હોય તો બને ત્યાં સુધી થોડી વાર પહેલાં નીકળી જાવ જેથી ટ્રાફિક કે બીજી કોઈ અન્ય સમસ્યા તમને અડચણરૂપ ન બને.
ઓફિસમાં શાંતિ જાળવો
સહકર્મીઓ ચૂપકે ચૂપકે નવા કર્મીની ગતિવિધિ પર નજર રાખતા હોય છે કે તેઓ કેવી રીતે કામ કરે છે અથવા કેવી રીતે અન્ય સહકર્મીઓ સાથે વ્યવહાર કરે છે, માટે ઓફિસમાં બહુ ઊંચા અવાજે ન બોલવું તેમજ લોકો સાથે આઈ કોન્ટેક્ટ મેળવી વાતો કરવી અને તમારી બોડી લેંગ્વેજનો પણ ખાસ ખ્યાલ રાખવો.
વોર્મ ગૂડબાય
ગૂડબાય તમારા શિષ્ટાચારનો એક ભાગ છે. તમે દિવસ દરમ્યાન જેની સાથે વાતો કરી હોય તેને ઘરે જતી વખતે ગૂડબાય કહેવું ક્યારેય ન ભૂલવું. આ પ્રકારના શિષ્ટાચારનું પાલન કરવું ન ભૂલો કારણ તે વ્યક્તિઓ તમારી સારી છબિ ઊભી કરવામાં તમને મદદરૂપ થશે. તેમજ ઘરે જતી વખતે તમારા બોસને પણ ગૂડબાય કહેવાનું ન ભૂલશો.સરખી ઊંઘ કરો
રાતના ૭થી ૮ કલાકની ઊંઘ કરો જેથી તમારું મન અને મગજ તમારી બોડીને ફ્રેશ રાખવામાં મદદ કરે. ઊંઘ આપણાં મનને તરોતાજા કરી બીજા દિવસે આપણને વધુ મહેનત કરવાની શક્તિ આપે છે. તમારી જોબના પ્રથમ દિવસે તમે એકદમ સ્વસ્થ અને ફ્રેશ લાગો એ જરૂરી છે. ઊંઘ આપણને દિવસ દરમ્યાન ફ્રેશ રહેવાની શક્તિ પૂરી પાડે છે.
તમારો પહેરવેશ
આપણો પહેરવેશ આપણાં વિશે ઘણું બધું કહી જાય છે. ઓફિસમાં લોકોની નજર આપણાં પહેરવેશ પર સહુથી પહેલાં અને વધુ જતી હોય છે, માટે તમારો પહેરવેશ તમારી છબિને અલગ રીતે રજૂ ન કરે એનું ધ્યાન રાખવું. ઓફિસના પહેલા દિવસે બને ત્યાં સુધી ફોર્મલ કપડાં પહેરવાનો આગ્રહ હિતાવહ રહેશે.
શિષ્ટાચાર
તમારી જાતને એક સારા અને અનુકૂળ ઉમેદવાર સાબિત કરવા સારા શિષ્ટાચાર અને રીતભાતનું પાલન કરવું જરૂરી છે. નાની નાની વાતોનું પણ જોબમાં ધ્યાન રાખવું જરૂરી છે. તમારા સહકર્મીઓને અને તમારા બોસને ગૂડ મોર્નિંગ અથવા હેલ્લો કહેવું એ તમારા મળતાવડા સ્વભાવનો પરિચય આપે છે
No comments:
Post a Comment