Sep 02, 2012 |
Career choice
આજે યુવાનો પાસે પોતાની કારકિર્દી બનાવવા માટે વિકલ્પોની કમી નથી તેમજ અનેક નવાં ક્ષેત્રો તેમના સ્વાગત માટે ઊભાં છે. આજના ઝડપી યુગમાં લોકો સુધી પહોંચવા માટે ઇન્ટરનેટ બહુ સારું અને આધુનિક માધ્યમ બની ગયું છે. ઇન્ટરનેટ આવ્યા બાદ પત્રકારત્વને વેબ જર્નાલિઝમના રૂપમાં એક નવી દિશા મળી છે, જે બહુ અસરકારક રીતે આગળ વધી રહી છે. વેબ જર્નાલિઝમની ખાસિયત એ છે કે તેમાં મળતી એક-એક સેકન્ડની ઇનસ્ટટં માહિતી, જેના લીધે વેબ જર્નાલિઝમની લોકપ્રિયતા વધતી જાય છે.ભવિષ્ય માટેનું છે ક્ષેત્ર
આપણાં દેશમાં પત્રકારત્વનો અભ્યાસ ચલાવતી સંસ્થાઓની કમી નથી તેમજ પત્રકારત્વની તાલીમ લેવાવાળા યુવાનો પણ બહોળી સંખ્યામાં જોવા મળે છે. છેલ્લા એક દાયકામાં ઇન્ટરનેટનો અનેકગણો વિકાસ થયો છે. નાનાં-નાનાં ગામડાંઓમાં પણ આજે ઇન્ટરનેટનો ઉપયોગ થવા લાગ્યો છે. મીડિયા વર્લ્ડમાં પણ ઇન્ટરનેટનો વ્યાપ વધતો જાય છે. લોકો તેના તરફ આકર્ષાયા છે અને એટલે જ વેબ જર્નાલિઝમના ફિલ્ડમાં વેબ જર્નાલિસ્ટોની સંખ્યા વધી રહી છે.
શું છે વેબ જર્નાલિઝમ?
ઇન્ટરનેટના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું પત્રકારત્વ એટલે વેબ જર્નાલિઝમ. વેબ જર્નાલિઝમ મોટા ભાગે ઇલેક્ટ્રોનિક જર્નાલિઝમ જેવું છે, પણ તેના વિસ્તાર અને જૂના અંકોને લાંબાગાળા સુધી જોઈ શકવાની સગવડતાને લીધે વેબ જર્નાલિઝમ જુદં પડી આવે છે. વેબ જર્નાલિઝમમાં સ્પીડનું વિશેષ મહત્ત્વ છે, જે વેબ જર્નાલિઝમને અન્ય મીડિયાથી જુદં પાડે છે.
અભ્યાસક્રમ અને લાયકાત
આજે માસ કમ્યુનિકેશનની તાલીમ આપતી સંસ્થાઓની કમી નથી. આ સંસ્થાઓમાં અભ્યાસ કરી તકનિકી લાયકાત મેળવી વેબ જર્નાલિઝમના ફિલ્ડમાં પ્રવેશ કરી શકાય છે. માસ કમ્યુનિકેશનમાં અનેક પ્રકારના અભ્યાસક્રમ ચાલે છે. તમે ઇચ્છો તો ડિગ્રી, ડિપ્લોમા કે પછી ર્સિટફિકેટ કોર્સ પણ કરી શકો છો. કોર્સની પસંદગી મુજબ શૈક્ષણિક લાયકાત નક્કી થાય છે, પણ મોટા ભાગની સંસ્થાઓ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન માગે છે. કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલાં ધ્યાન રાખજો કે તેઓ આધુનિક રીતે તાલીમ આપે છે કે નહીં. આધુનિક રીતે લીધેલી તાલીમ જ તમને આ ક્ષેત્રે આગળ સફળતા મેળવવામાં મદદરૂપ થશે.
કાર્યો
વેબ જર્નાલિઝમમાં અનેક પ્રકારનાં કામ કરી શકાય. કામના આધારે વેબ જર્નાલિઝમના ફિલ્ડના ભાગ પાડી શકાય છે.જર્નાલિઝમઃ જર્નાલિસ્ટ ડેસ્ક અને ફિલ્ડ બંને ક્ષેત્રમાં કામ કરી શકે છે. ડેસ્કવર્કમાં કોપી રાઇટિંગ અને એડિટિંગનું કામ કરી શકાય છે. વેબ જર્નાલિસ્ટે ભાષા સાથે દેશ-વિદેશની માહિતી પણ મેળવવી ફરજિયાત છે. ફિલ્ડવર્ક તેમના માટે છે, જેઓ ઘટના પાછળની સાચી વાત બહાર લાવવાની તાકાત રાખતા હોય. આ પ્રકારના કામમાં સાહસિક લોકો વધુ સફળ થાય છે, જેના સંપર્ક અને માહિતી મેળવવાનાં સૂત્રો વધુ હોય છે.
ડિઝાઇનરઃ વેબસાઇટને આકર્ષક બનાવવાની જવાબદારી ડિઝાઇનરની હોય છે. વેબસાઇટ આકર્ષક હોવી જરૂરી છે, કારણ કે ફ્રંટ પેજ કાયમ વાચકોને આકર્ષે છે. ડિઝાઇનિંગ તેમના માટે કામની છે જેને ટ્રેન્ડ મુજબ વેબસાઇટ ડિઝાઇન કરવા તેમજ કન્ટેન્ટ રજૂ કરવાની આવડત હોય. વેબ જર્નાલિઝમના ક્ષેત્રમાં રચનાત્મકતા સફળ થવાની પહેલી સીડી છે.
સ્પીડ અને એક્યુરેસીની રમત
વેબ જર્નાલિઝમ આજના પત્રકારત્વના ક્ષેત્રનું સૌથી ઝડપી વધતું ક્ષેત્ર ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં ક્વોલિટી અને એક્યુરેસીની સાથે સ્પીડ પણ અગત્યની ભૂમિકા ભજવે છે. વેબ જર્નાલિઝમમાં સ્પીડ નહીં તો કંઈ જ નથી. વેબ જર્નાલિઝમમાં કામ કરતા લોકો વચ્ચે કાયમ સ્પીડને લઈ સ્પર્ધા ચાલતી હોય છે. ઓછા સમયમાં વધુ કામ કરનારા લોકો બહુ ઝડપથી આગળ વધી જાય છે.
પગારધોરણ
વેબ જર્નાલિઝમનું ક્ષેત્ર પગારધોરણની બાબતે બહુ સારું ગણાય છે. વેબ જર્નાલિઝમમાં શરૂઆતમાં અંદાજિત ૧૦ હજાર રૂપિયા પગાર મળી શકે છે. તેમજ ત્રણ-ચાર વર્ષમાં અનુભવ વધતાં પગાર પણ ઘણો વધી જાય છે. તમે કામમાં જેટલું કૌશલ્ય બનાવી શકો એટલો પગાર તમારી લાયકાતના આધારે મેળવી શકો છો.
પ્રમુખ સંસ્થાઓ
* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન, નવી દિલ્હી.* જેઆઈએમએમસી, નોઇડા અને કામપુર
* જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી
* દિલ્હી વિશ્વવિદ્યાલય, દિલ્હી.
* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ ન્યૂ મીડિયા, બેંગલોર.
* ઝેવિયર ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યુનિકેશન, મુંબઈ.
* એજે કિડવાઈ માસ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટર, નવી દિલ્હી.
* સિમબાયોસિસ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન, પુણે.
* એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમ, ચેન્નઈ.
* ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, પુણે.
* મનોરમા સ્કૂલ ઓફ કમ્યુનિકેશન, કોટ્ટાયમ, કેરળ.
* ઇન્ટરનેશનલ મીડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, નોઇડા.
ગુજરાતની લગભગ તમામ યુનિર્વિસટીઓમાં પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરી શકાય છે એ સીવાય કેટલીક ખાનગી સંસ્થાઓ પણ આ શિક્ષણ આપે છે.
No comments:
Post a Comment