Friday, September 21, 2012

જોબનો પ્રથમ દિવસ : કેવો કરશો વ્યવહાર?

Sep 16, 2012


Office Etiquettes
જોબનો પ્રથમ દિવસ દરેક વ્યક્તિ માટે બહુ જ ઉત્સાહભર્યો હોય છે પણ એ ઉત્સાહમાં એક પ્રકારનો ભય પણ છુપાયેલો હોય છે કે જોબના પ્રથમ દિવસે જ કોઈ ભૂલ થઈ જશે તોતેમજ લોકો એ પણ વિચારતા હોય છે કે શુ કરવું અને શેનાથી દૂર રહેવુંફર્સ્ટ ઇમ્પ્રેશન જ લાસ્ટ ઇમ્પ્રેશન બનતી હોય છે.
નવી જોબ સાથે ઘણાં બધા સપના અને ઉમ્મીદો જોડાયેલી હોય છે જેથી આપણે કોઈ પણ પ્રકારની એવી ભૂલ ન કરવી કે આપણી જોબનો પ્રથમ દિવસ જ છેલ્લો દિવસ બની જાય. જોબના પ્રથમ દિવસ માટે જાણો જોબના પ્રથમ એટીકેટ...
નવી જોબ એટલે નવા લોકોથી મુલાકાત, નવું વાતાવરણ, નવું કામ, નવા સહકર્મીઓ, નવી ડેસ્ક અને નવા બોસ..!! તેમજ તમારો ઉત્સાહ અને કંઈક ખોટું ન થાય તેનો ભય વગેરે આજુ બાજુ થતી અસંખ્ય બાબતો. જેનાથી તમારું મન પસાર થતું હોય છે, પરંતુ ઘણી વખત આ તમામ બાબતોમાંથી પસાર થતી વખતે આપણને ખબર નથી પડતી કે આપણે કેવું વલણ અપનાવવું જેથી ઓફિસનો પ્રથમ દિવસ સારો અને શાંતિપૂર્વક નીકળી જાય. ઓફિસમાં પ્રથમ દિવસ ઉત્સાહની સાથે સાથે મૂંઝવણભર્યો પણ હોય છે, પરંતુ ક્યારેક આવી જ મૂંઝવણ અને ઉત્સાહમાં આપણે ભૂલી જતા હોઈએ કે શું કરવું અને શું ન કરવું જોઈએ. તો જાણીએ કે ઓફિસમાં પ્રથમ દિવસે શું કરવું જોઈએ...
અગાઉ તૈયારી કરો
ઓફિસ જોઇન કરતા પહેલાં બધા પ્રકારની તૈયારીઓ કરી લો જેથી ઓફિસમાં તમારી સારી છાપ ઊભી થાય. તમારાં કપડાં, તમારી અગત્યની વસ્તુઓ, જરૂરી કાગળ તેમજ તમારા કામથી લગતી દરેક બાબતનું તમને જ્ઞાન હોવું જોઈએ જેથી કોઈ તમને સવાલ કરે તો તમે જવાબ આપી શકો.
સમયની સાવચેતી
ઓફિસમાં સમયસર પહોંચવાનો આગ્રહ રાખવો. જો તમને નવી જગ્યાએ જોબ મળી હોય અને તમને ત્યાંનો રસ્તો ન ખબર હોય તો બે દિવસ અગાઉ ત્યાં જવાના રસ્તાની તપાસ કરી લો જેથી તમે સમયસર પહોંચી શકો. તેમજ જો તમારી ઓફિસ તમારા ઘરથી દૂર હોય તો બને ત્યાં સુધી થોડી વાર પહેલાં નીકળી જાવ જેથી ટ્રાફિક કે બીજી કોઈ અન્ય સમસ્યા તમને અડચણરૂપ ન બને.
ઓફિસમાં શાંતિ જાળવો
સહકર્મીઓ ચૂપકે ચૂપકે નવા કર્મીની ગતિવિધિ પર નજર રાખતા હોય છે કે તેઓ કેવી રીતે કામ કરે છે અથવા કેવી રીતે અન્ય સહકર્મીઓ સાથે વ્યવહાર કરે છે, માટે ઓફિસમાં બહુ ઊંચા અવાજે ન બોલવું તેમજ લોકો સાથે આઈ કોન્ટેક્ટ મેળવી વાતો કરવી અને તમારી બોડી લેંગ્વેજનો પણ ખાસ ખ્યાલ રાખવો.
વોર્મ ગૂડબાય
ગૂડબાય તમારા શિષ્ટાચારનો એક ભાગ છે. તમે દિવસ દરમ્યાન જેની સાથે વાતો કરી હોય તેને ઘરે જતી વખતે ગૂડબાય કહેવું ક્યારેય ન ભૂલવું. આ પ્રકારના શિષ્ટાચારનું પાલન કરવું ન ભૂલો કારણ તે વ્યક્તિઓ તમારી સારી છબિ ઊભી કરવામાં તમને મદદરૂપ થશે. તેમજ ઘરે જતી વખતે તમારા બોસને પણ ગૂડબાય કહેવાનું ન ભૂલશો.
 સરખી ઊંઘ કરો
રાતના ૭થી ૮ કલાકની ઊંઘ કરો જેથી તમારું મન અને મગજ તમારી બોડીને ફ્રેશ રાખવામાં મદદ કરે. ઊંઘ આપણાં મનને તરોતાજા કરી બીજા દિવસે આપણને વધુ મહેનત કરવાની શક્તિ આપે છે. તમારી જોબના પ્રથમ દિવસે તમે એકદમ સ્વસ્થ અને ફ્રેશ લાગો એ જરૂરી છે. ઊંઘ આપણને દિવસ દરમ્યાન ફ્રેશ રહેવાની શક્તિ પૂરી પાડે છે.
 તમારો પહેરવેશ
 આપણો પહેરવેશ આપણાં વિશે ઘણું બધું કહી જાય છે. ઓફિસમાં લોકોની નજર આપણાં પહેરવેશ પર સહુથી પહેલાં અને વધુ જતી હોય છે, માટે તમારો પહેરવેશ તમારી છબિને અલગ રીતે રજૂ ન કરે એનું ધ્યાન રાખવું. ઓફિસના પહેલા દિવસે બને ત્યાં સુધી ફોર્મલ કપડાં પહેરવાનો આગ્રહ હિતાવહ રહેશે.
શિષ્ટાચાર
તમારી જાતને એક સારા અને અનુકૂળ ઉમેદવાર સાબિત કરવા સારા શિષ્ટાચાર અને રીતભાતનું પાલન કરવું જરૂરી છે. નાની નાની વાતોનું પણ જોબમાં ધ્યાન રાખવું જરૂરી છે. તમારા સહકર્મીઓને અને તમારા બોસને ગૂડ મોર્નિંગ અથવા હેલ્લો કહેવું એ તમારા મળતાવડા સ્વભાવનો પરિચય આપે છે

Monday, September 17, 2012

હોટલ મેનેજમેન્ટઃ નોકરી રાહ જુએ છે

Sep 02, 2012


Career Option - Prashant Patel
કોઈ પણ વ્યક્તિ પોતાના દેશ કે વિદેશમાં ક્યાંય પણ ફરવા જાય ત્યારે તે હોટલમાં રોકાય છે. આ રીતે હોટલ વ્યવસાય સીધો ટૂરિસ્ટ સાથે જોડાયેલો છે. જેટલા ટૂરિસ્ટ વધારે આવશે, આતિથ્ય જેટલું સારું હશે તેટલો જ હોટલનો બિઝનેસ સારો ચાલશે. ભારતમાં વિદેશી ટૂરિસ્ટોની વધતી જતી સંખ્યાને જોતાં હજુ વધારે હોટલ, ઉત્તમ સગવડ અને મેનેજમેન્ટની જરૂરિયાત ઊભી થશે. તેથી જો તમે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હશે તો નોકરી લાલ જાજમ પાથરીને તમારું સ્વાગત કરશે.
શૈક્ષણિક યોગ્યતા
* ૧૨મું ધોરણ પાસ વિદ્યાર્થી હોટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા અથવા ડિગ્રી મેળવી શકે છે.
* જો ગ્રેજ્યુએશન પછી તમે હોટલ વ્યવસાયમાં કારકિર્દી શોધી રહ્યા હો તો તમારા માટે રસ્તા ખૂલી ગયા છે. એમએસસી ઇન હોટલ મેનેજમેન્ટ અને પીજી ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી શકો છો.
* મોટાભાગની સંસ્થાઓ ઓલ ઇન્ડિયા એડમિશન ટેસ્ટ તથા ઇન્ટરવ્યૂને આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરે છે. જેમાં વિદ્યાર્થીની બુદ્ધિક્ષમતા, સામાન્ય જ્ઞાાન, સામાન્ય વિજ્ઞાાન અને અંગ્રેજી ચકાસવામાં આવે છે.
કયા કયા કોર્સ ઉપલબ્ધ છે?
૧૨મા ધોરણ પછી નીચે પ્રમાણેના કોર્સ કરી શકો છો. જેનો સમયગાળો ૬ મહિનાથી લઈને ૩ વર્ષ જેટલો હોય છે.
* બીએ ઇન હોટલ મેનેજમેન્ટ.
* ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ.
* બેચલર ડિગ્રી ઇન હોટલ મેનેજમેન્ટ.
* ડિપ્લોમા ઇન હોટલ એન્ડ કેટરિંગ મેનેજમેન્ટ.
* બેચલર ડિગ્રી ઇન હોસ્પિટાલિટી સાયન્સ.
* બીએસસી હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ સાયન્સ.
* કર્યા પછી તમે નીચે પ્રમાણેના કોર્સ કરી શકો છો. જેનો સમયગાળો ૧થી ૨ વર્ષનો હોય છે.
* પીજી ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ.
* એમએસસી ઇન હોટલ મેનેજમેન્ટ.
* એમએ ઇન હોટલ મેનેજમેન્ટ.
* આ સિવાય તમે નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુસ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ તથા એપ્લાઇડ ન્યુટ્રીશન સંસ્થામાં સ્પેશ્યલાઇઝ્ડ કોર્સીસ પણ કરી શકો છો.
વ્યક્તિગત કૌશલ્ય
હોટલ મેનેજમેન્ટના વ્યવસાયમાં રસ ધરાવતા લોકોમાં નીચે પ્રમાણેનું કૌશલ્ય કે ગુણ હોવા જરૂરી છે.
* આકર્ષક પર્સનાલિટી
* ઉત્તમ કોમ્યુનિકેશન સ્કિલ.
* કોઈ પણ બાબતમાં તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા.
* મેનેજમેન્ટમાં દક્ષતા.
* હંમેશાં સ્વસ્થતા ધારણ કરીને કોઈ પણ સમયે કામ કરવાની તત્પરતા.
* આત્મવિશ્વાસ અને દરેક કામને ઝીણવટપૂર્વક સમજવાની ક્ષમતા.
* વિનમ્ર સ્વભાવ અને શાંત મગજ.
* કમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી.
* ટીમમાં કામ કરવાની તૈયારી.
* કંઈ કરી બતાવવાની અને આગળ વધવાની ધગશ.
સંલગ્ન વિકલ્પ
હોટલ ઇન્ડસ્ટ્રીમાં તમારા માટે ઘણા વિકલ્પો રહેલા છે. તમે ઇચ્છો તો મેનેજમેન્ટ, માર્કેટિંગ વગેરેમાં કારકિર્દી ઘડી શકો છો. તમારા માટે કયા કયા વિકલ્પ ઉપલબ્ધ છે તે જાણીએ.
મેનેજમેન્ટ
કોઈ પણ મોટી હોટલને સુચારુ રીતે ચલાવવાની જવાબદારી મેનેજમેન્ટ પર જ હોય છે. સાથે સાથે તેઓ એ વાત પર પણ ધ્યાન આપે છે કે હોટેલની રેવન્યુ એટલે કે કમાણીમાં કેવી રીતે વધારો કરી શકાય. અલગ-અલગ વિભાગોના પણ મેનેજર હોય છે જે પોતાના વિભાગના કાર્ય પર દેખરેખ રાખે છે. મોટી મોટી હોટલમાં તો રેસિડેન્ટ મેનેજર પણ હોય છે.
ફ્રન્ટ ઓફિસ
ફ્રન્ટ ઓફિસમાં બેસનારા કર્મચારીઓ હોટલમાં આવનારા અતિથિઓનું સ્વાગત કરે છે. અહીં રિસેપ્શન હોય છે, સૂચના ડેસ્ક હોય છે,અતિથિઓ માટે આરક્ષણ (એડવાન્સ બુકિંગ)ની વ્યવસ્થા સંભાળનાર પણ હોય છે. આ સિવાય બેલ કેપ્ટન, બેલ બોય અને ડોરમેન હોય છે. આ લોકો અતિથિઓનો સામાન સાચવીને તેમના રૂમ સુધી પહોંચાડવાથી લઈને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે.
ફૂડ એન્ડ બેવરેજ
આ વિભાગમાં કુલ ત્રણ ભાગ હોય છે. કિચન, સ્ટિવર્ડ વિભાગ અને ફૂડ સર્વિસ વિભાગ. આ વિભાગના મેનેજર અને કર્મચારી એકસાથે મળીને આ વિભાગની જવાબદારીઓ પૂર્ણ કરે છે. ખાવાનું બનાવવાથી લઈને પીરસવા સુધીનું કામ આ વિભાગના લોકો કરે છે તથા આ વિભાગ સાથે જોડાયેલી દરેક વસ્તુની સારસંભાળ તેઓ રાખે છે.
હાઉસ કીપિંગ
કોઈ પણ હોટલને ઉત્તમ પ્રકારની સાર-સંભાળની જરૂર હોય છે. હાઉસ કીપિંગ વિભાગ હોટલના દરેક રૂમ, મિટિંગ હોલ, બેંક્વેટ હોલ, લોન્જ, લોબી, રેસ્ટોરન્ટ વગેરેની સાફ-સફાઈની જવાબદારી ઉઠાવે છે. દરેક રૂમ કે વસ્તુ ચોખ્ખી દેખાવી જોઈએ તે આ વિભાગનો મૂળ મંત્ર છે. હાઉસ કીપિંગ એ હોટલનો સૌથી મહત્ત્વપૂર્ણ વિભાગ છે અને ૨૪ કલાક કામ કરતો રહે છે. આ વિભાગમાં કામકાજ શિફ્ટ એટલે કે પાળીમાં થાય છે.
માર્કેટિંગ વિભાગ
આજે હોટલમાં ઉપલબ્ધ સેવાઓ તથા સુવિધાઓનું માર્કેટિંગ હોટલ મેનેજમેન્ટનું મહત્ત્વનું પાસું છે. આ વિભાગ સંભવિત ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે પેકેજ તૈયાર કરે છે અને તેને વેચે છે. તેમની કાબેલિયતનો પ્રત્યક્ષ લાભ હોટલને મળે છે. ઉત્તમ પેકેજથી આકર્ષાઈને જેટલા ગ્રાહકો આવે છે તે હોટલને તો કમાણી કરાવે જ છે સાથે બીજા લોકોને પણ જણાવે છે. આ સિવાય હોટલમાં પણ અન્ય કંપનીઓની જેમ એકાઉન્ટ્સ, સિક્યોરિટી, મેન્ટેનન્સ વગેરે વિભાગ હોય છે.
નોકરીની તક
હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યા પછી તમે હોટલ તથા હોસ્પિટાલિટી ઉદ્યોગમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે કામકાજની શરૂઆત કરી શકો છો. આ સિવાય નીચે જણાવેલી જગ્યા પર સારી નોકરી મેળવી શકો છો.
* કિચન મેનેજમેન્ટ.
* હાઉસ કીપિંગ મેનેજમેન્ટ.
* એરલાઇન કેટરિંગ.
* કેબિન સર્વિસીસ.
* સર્વિસ સેક્ટરમાં ગેસ્ટ અથવા કસ્ટમર રિલેશન એક્ઝિક્યૂટિવ.
* ફાસ્ટફૂડ ચેન.
* રિસોર્ટ મેનેજમેન્ટ.
* ક્રૂઝ શિપ હોટલ મેનેજમેન્ટ.
* ગેસ્ટહાઉસીસ.
* હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન.
* કેટરિંગ સર્વિસીસ.
* રેલ્વે, બેન્ક અથવા મોટી કંપનીઓમાં કેટરિંગ અથવા કેન્ટિન વગેરે જગ્યાએ નોકરી મળી શકે છે. સાથે તમે સ્વરોજગાર અંગે પણ વિચારી શકો છો.
કમાણી
હોટલ મેનેજમેન્ટનો કોર્સ પૂર્ણ કર્યા પછી શરૂઆતના સમયમાં તમે આશરે ૧૦થી ૧૫ હજાર રૂપિયા પ્રતિમાસ કમાઈ શકો છો. થોડાં વર્ષોનો અનુભવ મેળવ્યા પછી આ પગાર આશરે ૩૦થી ૪૦ હજાર સુધી પહોંચી શકે છે.
શૈક્ષણિક સંસ્થાઓ
ભારતમાં હોટલ મેનેજમેન્ટના શિક્ષણની જવાબદારી નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલોજી પર છે. કાઉન્સિલની સ્થાપના ૧૯૮૨માં કરવામાં આવી હતી. દેશમાં બીએસસી (હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશન)નો ત્રણ વર્ષની અવધિનો ડિગ્રી કોર્સ કાઉન્સિલ અને ઇગ્નો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. જેની હેઠળ હોટલ મેનેજમેન્ટની ૨૧ કેન્દ્રીય સંસ્થા, ૭ પ્રદેશ સંસ્થા તથા ૭ ખાનગી સંસ્થા છે. આ બધી જ સંસ્થાની ૫૭૦૦ સીટ માટે નેશનલ લેવલે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ આ પ્રમાણે છે.
* ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, કોલકાતા.
* ડો. આંબેડકર ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, કેટરિંગ એન્ડન્યૂટ્રીશન, પંજાબ.
* ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, સિક્કિમ.
 ભારતમાં અને ગુજરાતમાં અનેક ખાનગી સંસ્થાઓ પણ છે જે હોટલ મેનેજમેન્ટ તથા તેની સાથે સંલગ્ન અભ્યાસક્રમ ચલાવે છે. દરેક સંસ્થામાં ફીનું માળખું અલગ-અલગ હોય છે.

વેબ જર્નાલિઝમ મીડિયાનું આકર્ષક ક્ષેત્ર

Sep 02, 2012


Career choice
આજે યુવાનો પાસે પોતાની કારકિર્દી બનાવવા માટે વિકલ્પોની કમી નથી તેમજ અનેક નવાં ક્ષેત્રો તેમના સ્વાગત માટે ઊભાં છે. આજના ઝડપી યુગમાં લોકો સુધી પહોંચવા માટે ઇન્ટરનેટ બહુ સારું અને આધુનિક માધ્યમ બની ગયું છે. ઇન્ટરનેટ આવ્યા બાદ પત્રકારત્વને વેબ જર્નાલિઝમના રૂપમાં એક નવી દિશા મળી છે, જે બહુ અસરકારક રીતે આગળ વધી રહી છે. વેબ જર્નાલિઝમની ખાસિયત એ છે કે તેમાં મળતી એક-એક સેકન્ડની ઇનસ્ટટં માહિતી, જેના લીધે વેબ જર્નાલિઝમની લોકપ્રિયતા વધતી જાય છે.
ભવિષ્ય માટેનું છે ક્ષેત્ર
આપણાં દેશમાં પત્રકારત્વનો અભ્યાસ ચલાવતી સંસ્થાઓની કમી નથી તેમજ પત્રકારત્વની તાલીમ લેવાવાળા યુવાનો પણ બહોળી સંખ્યામાં જોવા મળે છે. છેલ્લા એક દાયકામાં ઇન્ટરનેટનો અનેકગણો વિકાસ થયો છે. નાનાં-નાનાં ગામડાંઓમાં પણ આજે ઇન્ટરનેટનો ઉપયોગ થવા લાગ્યો છે. મીડિયા વર્લ્ડમાં પણ ઇન્ટરનેટનો વ્યાપ વધતો જાય છે. લોકો તેના તરફ આકર્ષાયા છે અને એટલે જ વેબ જર્નાલિઝમના ફિલ્ડમાં વેબ જર્નાલિસ્ટોની સંખ્યા વધી રહી છે.
શું છે વેબ જર્નાલિઝમ?
ઇન્ટરનેટના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું પત્રકારત્વ એટલે વેબ જર્નાલિઝમ. વેબ જર્નાલિઝમ મોટા ભાગે ઇલેક્ટ્રોનિક જર્નાલિઝમ જેવું છે, પણ તેના વિસ્તાર અને જૂના અંકોને લાંબાગાળા સુધી જોઈ શકવાની સગવડતાને લીધે વેબ જર્નાલિઝમ જુદં પડી આવે છે. વેબ જર્નાલિઝમમાં સ્પીડનું વિશેષ મહત્ત્વ છે, જે વેબ જર્નાલિઝમને અન્ય મીડિયાથી જુદં પાડે છે.
અભ્યાસક્રમ અને લાયકાત
આજે માસ કમ્યુનિકેશનની તાલીમ આપતી સંસ્થાઓની કમી નથી. આ સંસ્થાઓમાં અભ્યાસ કરી તકનિકી લાયકાત મેળવી વેબ જર્નાલિઝમના ફિલ્ડમાં પ્રવેશ કરી શકાય છે. માસ કમ્યુનિકેશનમાં અનેક પ્રકારના અભ્યાસક્રમ ચાલે છે. તમે ઇચ્છો તો ડિગ્રી, ડિપ્લોમા કે પછી ર્સિટફિકેટ કોર્સ પણ કરી શકો છો. કોર્સની પસંદગી મુજબ શૈક્ષણિક લાયકાત નક્કી થાય છે, પણ મોટા ભાગની સંસ્થાઓ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન માગે છે. કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લેતા પહેલાં ધ્યાન રાખજો કે તેઓ આધુનિક રીતે તાલીમ આપે છે કે નહીં. આધુનિક રીતે લીધેલી તાલીમ જ તમને આ ક્ષેત્રે આગળ સફળતા મેળવવામાં મદદરૂપ થશે.
કાર્યો
વેબ જર્નાલિઝમમાં અનેક પ્રકારનાં કામ કરી શકાય. કામના આધારે વેબ જર્નાલિઝમના ફિલ્ડના ભાગ પાડી શકાય છે.
જર્નાલિઝમઃ જર્નાલિસ્ટ ડેસ્ક અને ફિલ્ડ બંને ક્ષેત્રમાં કામ કરી શકે છે. ડેસ્કવર્કમાં કોપી રાઇટિંગ અને એડિટિંગનું કામ કરી શકાય છે. વેબ જર્નાલિસ્ટે ભાષા સાથે દેશ-વિદેશની માહિતી પણ મેળવવી ફરજિયાત છે. ફિલ્ડવર્ક તેમના માટે છે, જેઓ ઘટના પાછળની સાચી વાત બહાર લાવવાની તાકાત રાખતા હોય. આ પ્રકારના કામમાં સાહસિક લોકો વધુ સફળ થાય છે, જેના સંપર્ક અને માહિતી મેળવવાનાં સૂત્રો વધુ હોય છે.
ડિઝાઇનરઃ વેબસાઇટને આકર્ષક બનાવવાની જવાબદારી ડિઝાઇનરની હોય છે. વેબસાઇટ આકર્ષક હોવી જરૂરી છે, કારણ કે ફ્રંટ પેજ કાયમ વાચકોને આકર્ષે છે. ડિઝાઇનિંગ તેમના માટે કામની છે જેને ટ્રેન્ડ મુજબ વેબસાઇટ ડિઝાઇન કરવા તેમજ કન્ટેન્ટ રજૂ કરવાની આવડત હોય. વેબ જર્નાલિઝમના ક્ષેત્રમાં રચનાત્મકતા સફળ થવાની પહેલી સીડી છે.
સ્પીડ અને એક્યુરેસીની રમત
વેબ જર્નાલિઝમ આજના પત્રકારત્વના ક્ષેત્રનું સૌથી ઝડપી વધતું ક્ષેત્ર ગણવામાં આવે છે. આ ક્ષેત્રમાં ક્વોલિટી અને એક્યુરેસીની સાથે સ્પીડ પણ અગત્યની ભૂમિકા ભજવે છે. વેબ જર્નાલિઝમમાં સ્પીડ નહીં તો કંઈ જ નથી. વેબ જર્નાલિઝમમાં કામ કરતા લોકો વચ્ચે કાયમ સ્પીડને લઈ સ્પર્ધા ચાલતી હોય છે. ઓછા સમયમાં વધુ કામ કરનારા લોકો બહુ ઝડપથી આગળ વધી જાય છે.
પગારધોરણ
વેબ જર્નાલિઝમનું ક્ષેત્ર પગારધોરણની બાબતે બહુ સારું ગણાય છે. વેબ જર્નાલિઝમમાં શરૂઆતમાં અંદાજિત ૧૦ હજાર રૂપિયા પગાર મળી શકે છે. તેમજ ત્રણ-ચાર વર્ષમાં અનુભવ વધતાં પગાર પણ ઘણો વધી જાય છે. તમે કામમાં જેટલું કૌશલ્ય બનાવી શકો એટલો પગાર તમારી લાયકાતના આધારે મેળવી શકો છો.
પ્રમુખ સંસ્થાઓ
* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન, નવી દિલ્હી.
* જેઆઈએમએમસી, નોઇડા અને કામપુર
* જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી
* દિલ્હી વિશ્વવિદ્યાલય, દિલ્હી.
* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ ન્યૂ મીડિયા, બેંગલોર.
* ઝેવિયર ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યુનિકેશન, મુંબઈ.
* એજે કિડવાઈ માસ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટર, નવી દિલ્હી.
* સિમબાયોસિસ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન, પુણે.
* એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમ, ચેન્નઈ.
* ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, પુણે.
* મનોરમા સ્કૂલ ઓફ કમ્યુનિકેશન, કોટ્ટાયમ, કેરળ.
* ઇન્ટરનેશનલ મીડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, નોઇડા.
ગુજરાતની લગભગ તમામ યુનિર્વિસટીઓમાં પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરી શકાય છે એ સીવાય કેટલીક ખાનગી સંસ્થાઓ પણ આ શિક્ષણ આપે છે.