Monday, September 17, 2012

હોટલ મેનેજમેન્ટઃ નોકરી રાહ જુએ છે

Sep 02, 2012


Career Option - Prashant Patel
કોઈ પણ વ્યક્તિ પોતાના દેશ કે વિદેશમાં ક્યાંય પણ ફરવા જાય ત્યારે તે હોટલમાં રોકાય છે. આ રીતે હોટલ વ્યવસાય સીધો ટૂરિસ્ટ સાથે જોડાયેલો છે. જેટલા ટૂરિસ્ટ વધારે આવશે, આતિથ્ય જેટલું સારું હશે તેટલો જ હોટલનો બિઝનેસ સારો ચાલશે. ભારતમાં વિદેશી ટૂરિસ્ટોની વધતી જતી સંખ્યાને જોતાં હજુ વધારે હોટલ, ઉત્તમ સગવડ અને મેનેજમેન્ટની જરૂરિયાત ઊભી થશે. તેથી જો તમે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હશે તો નોકરી લાલ જાજમ પાથરીને તમારું સ્વાગત કરશે.
શૈક્ષણિક યોગ્યતા
* ૧૨મું ધોરણ પાસ વિદ્યાર્થી હોટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા અથવા ડિગ્રી મેળવી શકે છે.
* જો ગ્રેજ્યુએશન પછી તમે હોટલ વ્યવસાયમાં કારકિર્દી શોધી રહ્યા હો તો તમારા માટે રસ્તા ખૂલી ગયા છે. એમએસસી ઇન હોટલ મેનેજમેન્ટ અને પીજી ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી શકો છો.
* મોટાભાગની સંસ્થાઓ ઓલ ઇન્ડિયા એડમિશન ટેસ્ટ તથા ઇન્ટરવ્યૂને આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરે છે. જેમાં વિદ્યાર્થીની બુદ્ધિક્ષમતા, સામાન્ય જ્ઞાાન, સામાન્ય વિજ્ઞાાન અને અંગ્રેજી ચકાસવામાં આવે છે.
કયા કયા કોર્સ ઉપલબ્ધ છે?
૧૨મા ધોરણ પછી નીચે પ્રમાણેના કોર્સ કરી શકો છો. જેનો સમયગાળો ૬ મહિનાથી લઈને ૩ વર્ષ જેટલો હોય છે.
* બીએ ઇન હોટલ મેનેજમેન્ટ.
* ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ.
* બેચલર ડિગ્રી ઇન હોટલ મેનેજમેન્ટ.
* ડિપ્લોમા ઇન હોટલ એન્ડ કેટરિંગ મેનેજમેન્ટ.
* બેચલર ડિગ્રી ઇન હોસ્પિટાલિટી સાયન્સ.
* બીએસસી હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ સાયન્સ.
* કર્યા પછી તમે નીચે પ્રમાણેના કોર્સ કરી શકો છો. જેનો સમયગાળો ૧થી ૨ વર્ષનો હોય છે.
* પીજી ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ.
* એમએસસી ઇન હોટલ મેનેજમેન્ટ.
* એમએ ઇન હોટલ મેનેજમેન્ટ.
* આ સિવાય તમે નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુસ્થિત ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ તથા એપ્લાઇડ ન્યુટ્રીશન સંસ્થામાં સ્પેશ્યલાઇઝ્ડ કોર્સીસ પણ કરી શકો છો.
વ્યક્તિગત કૌશલ્ય
હોટલ મેનેજમેન્ટના વ્યવસાયમાં રસ ધરાવતા લોકોમાં નીચે પ્રમાણેનું કૌશલ્ય કે ગુણ હોવા જરૂરી છે.
* આકર્ષક પર્સનાલિટી
* ઉત્તમ કોમ્યુનિકેશન સ્કિલ.
* કોઈ પણ બાબતમાં તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા.
* મેનેજમેન્ટમાં દક્ષતા.
* હંમેશાં સ્વસ્થતા ધારણ કરીને કોઈ પણ સમયે કામ કરવાની તત્પરતા.
* આત્મવિશ્વાસ અને દરેક કામને ઝીણવટપૂર્વક સમજવાની ક્ષમતા.
* વિનમ્ર સ્વભાવ અને શાંત મગજ.
* કમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી.
* ટીમમાં કામ કરવાની તૈયારી.
* કંઈ કરી બતાવવાની અને આગળ વધવાની ધગશ.
સંલગ્ન વિકલ્પ
હોટલ ઇન્ડસ્ટ્રીમાં તમારા માટે ઘણા વિકલ્પો રહેલા છે. તમે ઇચ્છો તો મેનેજમેન્ટ, માર્કેટિંગ વગેરેમાં કારકિર્દી ઘડી શકો છો. તમારા માટે કયા કયા વિકલ્પ ઉપલબ્ધ છે તે જાણીએ.
મેનેજમેન્ટ
કોઈ પણ મોટી હોટલને સુચારુ રીતે ચલાવવાની જવાબદારી મેનેજમેન્ટ પર જ હોય છે. સાથે સાથે તેઓ એ વાત પર પણ ધ્યાન આપે છે કે હોટેલની રેવન્યુ એટલે કે કમાણીમાં કેવી રીતે વધારો કરી શકાય. અલગ-અલગ વિભાગોના પણ મેનેજર હોય છે જે પોતાના વિભાગના કાર્ય પર દેખરેખ રાખે છે. મોટી મોટી હોટલમાં તો રેસિડેન્ટ મેનેજર પણ હોય છે.
ફ્રન્ટ ઓફિસ
ફ્રન્ટ ઓફિસમાં બેસનારા કર્મચારીઓ હોટલમાં આવનારા અતિથિઓનું સ્વાગત કરે છે. અહીં રિસેપ્શન હોય છે, સૂચના ડેસ્ક હોય છે,અતિથિઓ માટે આરક્ષણ (એડવાન્સ બુકિંગ)ની વ્યવસ્થા સંભાળનાર પણ હોય છે. આ સિવાય બેલ કેપ્ટન, બેલ બોય અને ડોરમેન હોય છે. આ લોકો અતિથિઓનો સામાન સાચવીને તેમના રૂમ સુધી પહોંચાડવાથી લઈને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે.
ફૂડ એન્ડ બેવરેજ
આ વિભાગમાં કુલ ત્રણ ભાગ હોય છે. કિચન, સ્ટિવર્ડ વિભાગ અને ફૂડ સર્વિસ વિભાગ. આ વિભાગના મેનેજર અને કર્મચારી એકસાથે મળીને આ વિભાગની જવાબદારીઓ પૂર્ણ કરે છે. ખાવાનું બનાવવાથી લઈને પીરસવા સુધીનું કામ આ વિભાગના લોકો કરે છે તથા આ વિભાગ સાથે જોડાયેલી દરેક વસ્તુની સારસંભાળ તેઓ રાખે છે.
હાઉસ કીપિંગ
કોઈ પણ હોટલને ઉત્તમ પ્રકારની સાર-સંભાળની જરૂર હોય છે. હાઉસ કીપિંગ વિભાગ હોટલના દરેક રૂમ, મિટિંગ હોલ, બેંક્વેટ હોલ, લોન્જ, લોબી, રેસ્ટોરન્ટ વગેરેની સાફ-સફાઈની જવાબદારી ઉઠાવે છે. દરેક રૂમ કે વસ્તુ ચોખ્ખી દેખાવી જોઈએ તે આ વિભાગનો મૂળ મંત્ર છે. હાઉસ કીપિંગ એ હોટલનો સૌથી મહત્ત્વપૂર્ણ વિભાગ છે અને ૨૪ કલાક કામ કરતો રહે છે. આ વિભાગમાં કામકાજ શિફ્ટ એટલે કે પાળીમાં થાય છે.
માર્કેટિંગ વિભાગ
આજે હોટલમાં ઉપલબ્ધ સેવાઓ તથા સુવિધાઓનું માર્કેટિંગ હોટલ મેનેજમેન્ટનું મહત્ત્વનું પાસું છે. આ વિભાગ સંભવિત ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે પેકેજ તૈયાર કરે છે અને તેને વેચે છે. તેમની કાબેલિયતનો પ્રત્યક્ષ લાભ હોટલને મળે છે. ઉત્તમ પેકેજથી આકર્ષાઈને જેટલા ગ્રાહકો આવે છે તે હોટલને તો કમાણી કરાવે જ છે સાથે બીજા લોકોને પણ જણાવે છે. આ સિવાય હોટલમાં પણ અન્ય કંપનીઓની જેમ એકાઉન્ટ્સ, સિક્યોરિટી, મેન્ટેનન્સ વગેરે વિભાગ હોય છે.
નોકરીની તક
હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યા પછી તમે હોટલ તથા હોસ્પિટાલિટી ઉદ્યોગમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે કામકાજની શરૂઆત કરી શકો છો. આ સિવાય નીચે જણાવેલી જગ્યા પર સારી નોકરી મેળવી શકો છો.
* કિચન મેનેજમેન્ટ.
* હાઉસ કીપિંગ મેનેજમેન્ટ.
* એરલાઇન કેટરિંગ.
* કેબિન સર્વિસીસ.
* સર્વિસ સેક્ટરમાં ગેસ્ટ અથવા કસ્ટમર રિલેશન એક્ઝિક્યૂટિવ.
* ફાસ્ટફૂડ ચેન.
* રિસોર્ટ મેનેજમેન્ટ.
* ક્રૂઝ શિપ હોટલ મેનેજમેન્ટ.
* ગેસ્ટહાઉસીસ.
* હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન.
* કેટરિંગ સર્વિસીસ.
* રેલ્વે, બેન્ક અથવા મોટી કંપનીઓમાં કેટરિંગ અથવા કેન્ટિન વગેરે જગ્યાએ નોકરી મળી શકે છે. સાથે તમે સ્વરોજગાર અંગે પણ વિચારી શકો છો.
કમાણી
હોટલ મેનેજમેન્ટનો કોર્સ પૂર્ણ કર્યા પછી શરૂઆતના સમયમાં તમે આશરે ૧૦થી ૧૫ હજાર રૂપિયા પ્રતિમાસ કમાઈ શકો છો. થોડાં વર્ષોનો અનુભવ મેળવ્યા પછી આ પગાર આશરે ૩૦થી ૪૦ હજાર સુધી પહોંચી શકે છે.
શૈક્ષણિક સંસ્થાઓ
ભારતમાં હોટલ મેનેજમેન્ટના શિક્ષણની જવાબદારી નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલોજી પર છે. કાઉન્સિલની સ્થાપના ૧૯૮૨માં કરવામાં આવી હતી. દેશમાં બીએસસી (હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશન)નો ત્રણ વર્ષની અવધિનો ડિગ્રી કોર્સ કાઉન્સિલ અને ઇગ્નો દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. જેની હેઠળ હોટલ મેનેજમેન્ટની ૨૧ કેન્દ્રીય સંસ્થા, ૭ પ્રદેશ સંસ્થા તથા ૭ ખાનગી સંસ્થા છે. આ બધી જ સંસ્થાની ૫૭૦૦ સીટ માટે નેશનલ લેવલે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ આ પ્રમાણે છે.
* ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, કોલકાતા.
* ડો. આંબેડકર ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, કેટરિંગ એન્ડન્યૂટ્રીશન, પંજાબ.
* ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, સિક્કિમ.
 ભારતમાં અને ગુજરાતમાં અનેક ખાનગી સંસ્થાઓ પણ છે જે હોટલ મેનેજમેન્ટ તથા તેની સાથે સંલગ્ન અભ્યાસક્રમ ચલાવે છે. દરેક સંસ્થામાં ફીનું માળખું અલગ-અલગ હોય છે.

No comments:

Post a Comment